21 Jul 2010

Story on success of Balaji Wafer !!!

મલ્ટિનેશનલ્સ સામે દેશી સફળતા

 

૧૯૮૯ સુધી માણસ ઘરે તાવડામાં બટાટાની વેફર તળીને તેને રાજકોટનાં સિનેમાઘરોમાં વહેંચતો હતો. આજે તેની કંપની જગતની મલ્ટીનેશનલ કંપનીઓને દાદ નથી આપતી. તેનું નામ છે ચંદુભાઇ વિરાણી. નામ કદાચ વાચકોને અજાણ્યું લાગશે, તેમની બ્રાન્ડ સાવ જાણીતી છે: બાલાજી વેફર્સ. બાલાજી આજે દરરોજ ૩૫,૦૦,૦૦૦ પેકેટ વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો, દાળ વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે. વેફર્સમાં બાલાજીનો દબદબો એવો છે કે ગુજરાતનું ૮૦ ટકા માર્કેટ તેમના હાથમાં છે. મહાકાય મલ્ટિનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી, પોતે હાંફી ગઇ છે. કોઇ માર્કેટિંગ, ડીલર માટે કોઇ સ્કીમ, સેલ્સનું કોઇ ડિપાર્ટમેન્ટ નહીં અને મેનેજરોની ભરમાર નહીં, છતાં ૩૫૦ કરોડની કંપની સતત વિકાસકૂચ કરતી રહે છે. ચંદુભાઇ વિરાણીની વિકાસયાત્રાનું રહસ્ય શું છે? મેનેજમેન્ટ ફંડાના આધારે જાણીએ.

કાલાવડ તાલુકાનું ધૂન-ધોરાજી નામનું એક નાનકડું ગામ છે. ચંદુભાઇના પિતા ગામમાં ખેડૂત હતા, પણ ખેતી કરતાં સમાજ સેવા અને આગેવાનીમાં રસ વધુ. ગામના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત રહે એટલે જમીન ધીમે ધીમે વેચાવા માંડી. ચંદુભાઇ, તેમના મોટાભાઇ ભીખુભાઇ અને સૌથી નાનાભાઇ કનુભાઇનું બાળપણ ગામડામાં ધીંગામસ્તી કરતાં કરતાં વિત્યું. પિતાજી પોપટભાઇ વિરાણી કંઇક અલગ વિચારનાર માણસ હતા. દીકરાઓને તેમણે કહ્યું કે 'મોચી પોતે બનાવેલાં જોડાનો ભાવ પોતે નક્કી કરે, કુંભાર ઘડાનો ભાવ પોતે નક્કી કરે, પણ ખેડૂત પોતે ઉપજાવેલી વસ્તુનો ભાવ પોતે નક્કી કરી શકતો નથી, દલાલો અને વેપારીઓ ખેડૂતના ઉત્પાદનના ભાવ નક્કી કરે છે.

વેપારી બજારમાં જે ભાવે માલ વેચતા હોય તેના અડધા પણ ખેડૂતને મળતા નથી, આવી ખેતી નથી કરવી. શહેરમાં જવું છે.' અને, પોપટભાઇ જમીન જાયદાદ વેચીને રાજકોટ આવી ગયા. નિર્ણય બહુ જોખમી છતાં મહત્વપૂર્ણ હતો. ચંદુભાઇ કહે છે, પિતાજીએ નિર્ણય લીધો હોત તો અમે ખેતી કરતા હોત. રાજકોટમાં આવીને દસ ધોરણ પાસ ચંદુભાઇએ ધંધો શોધવા માંડયો. સિનેમાઘરની કેન્ટીનમાં વેફરની ખપત બહુ રહેતી એટલે બજારમાંથી વેફર ખરીદીને સિનેમાઘરોમાં આપવાનું શરૂ કર્યું. ધંધામાં બહુ માર્જીન નહોતું. ૧૯૭૪થી ૧૯૮૨ સુધી વેફર સપ્લાય કરવાનું કામ કર્યા પછી ચંદુભાઇને વિચાર આવ્યો કે વેફર પણ આપણે બનાવીએ તો ?

મેનેજમેન્ટ ફંડા

. દુનિયાથી અલગ વિચારનાર ચમત્કાર કરી દેખાડી શકે.
. જોખમી નિર્ણય પણ જરૂરી હોય તો તાત્કાલિક લેવો.
. નાની શરૂઆત કર્યા પછી પણ નવી તક શોધતાં રહેવું.

ચંદુભાઇએ યુનિવર્સિટી રોડ ખાતેના પોતાના ઘરમાં તાવડો માંડયો. બટાટાની વેફર હાથે બનાવવાની, તેને તળવાની અને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને સિનેમાઘરોમાં આપવા જવાનું. તે વખતે વેફર બનાવનારાઓ બહુ ઓછા હતા. એટલે સ્પર્ધા બહુ નડી. સિનેમાઘરમાં વેફર ખાનારા કેટલાક વેપારીઓએ ચંદુભાઇનો સંપર્ક કરીને પોતાની દુકાને પણ વેફર પહોંચાડવાનું કહ્યું. બહારના ઓર્ડર્સ પર પૂરતું ઘ્યાન અપાયું તે વખતે ઘરમાં રોજ ૬૦ કિલો બટાટાની વેફર બનતી હતી. ચંદુભાઇના એક એડવોકેટ મિત્રે ત્યારે તેમને ટીકાત્મક રીતે કહ્યું હતું, શું ધંધો તમે માંડ્યો છે ?

એડવોકેટ મિત્રનો કહેવાનો અર્થ સ્પષ્ટ હતો, ધંધામાં કાંઇ બે પાંદડે થવાય નહીં. પણ ચંદુભાઇ હિંમત હાર્યા નહીં. તેમની વેફરની બજારમાં સારી માંગ રહેતી હતી. ૧૯૮૩માં પ્લાસ્ટિકની જે થેલીઓમાં તેઓ વેફર પેક કરતાં હતા તેની ઉપર બાલાજી લખાવ્યું અને બાલાજી બ્રાન્ડનો જન્મ થયો. સાંગણવા ચોકમાં વેફર વેચવાની એક દુકાન પણ કરી. મગદાળ, વટાણા, ચણાદાળ વગેરે પ્રોડક્ટ પણ બનાવવાની ચાલુ કરી. ભીખુભાઇ વિરાણી ત્યારે દુકાને બેસતા.

હવે તેઓ બાલાજી વેફર્સ માટે જમીનો ખરીદવાનું અને ડેવલપમેન્ટનું કામ કરે છે. ભીખુભાઇના બે પુત્રો કેયુર અને મિહિર તથા ચંદુભાઇના પુત્ર પ્રણય બાલાજીની નવી પેઢી છે અને એમણે ધંધાનો અડધો ભાર પોતાના ખભા પર ઉપાડી લીધો છે. નાનાભાઇ કનુભાઇ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. વિદેશી બનાવટના મશીનના સ્પેરપાટ્ર્સ પણ જાતે બનાવી લે તેટલી તેમની આવડત બાલાજીનાં મશીનોને ક્યારેય અટકવા દેતી નથી. ખેર, સાંગણવા ચોકની દુકાને તે સમયે ઘરાકી વધવા માંડી. બાલાજીનો તાવડો વખણાવા માંડયો. એટલે, ૧૯૮૯માં ધંધાનું વિસ્તરણ કરવાનું વિચાર્યું.

મેનેજમેન્ટ ફંડા

. જે ધંધામાં સ્પર્ધા હોય તે વધુ વળતર આપે તેવું નથી.
. ગ્રાહકોને સંતોષ થાય તેવી પ્રોડક્ટ આપો. વૈવિઘ્ય આપો.
. સમયાંતરે ધંધાનું વિસ્તરણ કરતા રહો પણ, બીનજરૂરી વિસ્તરણ ટાળો.
. નવું કરતી વખતે ટીકાઓ થાય તો પણ વિચલિત થાઓ, છતાં ફીડબેક લેતા રહો.

આજી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં વિરાણી ભાઇઓએ એક હજાર મીટર જગ્યા લીધી. ભઠ્ઠાઓ નાંખ્યા, પણ ભઠ્ઠામાં ધૂમાડા થાય અને પ્રોડક્ટમાં સમાનતા જાળવવી પણ અઘરી પડે. તે વખતે બાલાજીની વેફર વખણાતી હતી, પણ તેની લેખિત રેસિપી નહોતી. ડબ્બાના માપથી મસાલા નાંખવામાં આવતા. તાવડામાં ઉકળતું તેલ જોઇને તેના ટેમ્પરેચરનો અંદાજ લગાવવો પડતો. તેલમાં બબલ્સ બનવાનું બંધ થઇ જાય એટલે તેલ આવી ગયું સમજીને વેફર તળવા માંડવાની. ચંદુભાઇ કહે છે, આજે પણ તાવડામાં ઉકળતું તેલ જોઇને હું કહી દઉં કે આનું ટેમ્પરેચર આટલું હશે. જાતે કરેલાં કામથી મળેલાં અનુભવની તાકાત હતી. ભઠ્ઠામાં રોજની ૫૦૦ કિલો વેફર બનતી હતી. માંગ વધી રહી હતી અને ભઠ્ઠા-તાવડાની મર્યાદાઓ નડી રહી હતી એટલે ઓટોમાઇઝેશન પર જવાનું નક્કી કર્યું.

બટાટાને કાતરીને વેફર પણ મશીન બનાવે અને તેને તળી પણ આપે એવું મશીન લઇ આવ્યા. મહિના સુધી મશીન ચાલુ થયું. ચંદુભાઇ સમય યાદ કરતાં કહે છે, 'અમે ફસાઇ ગયા. મશીન ચાલે નહીં. અમને મશીનમાં કશી ગતાગમ પડે નહીં. આવી સ્થિતિમાં કરવું શું? એટલે દેશી મશીન લઇ આવ્યા. ઇમ્પોર્ટેડ અને દેશી બંને મશીનને જોડી કાઢીને વર્ણસંકર મશીન બનાવ્યું. તે ચાલ્યું. માત્ર ચાલ્યું નહીં, દોડ્યું. સરસ ક્વોલિટીની વેફર બનતી થઇ.'

આજે બાલાજીની ફેક્ટરીમાં જાઓ તો બટાટાની ગુણી મશીનના એક છેડે ઠાલવ્યા પછી બીજા છેડે સરસ પોલીપેકમાં, નાઇટ્રોજન સાથે પેક થયેલું વેફરનું પેકેટ મળે. નવાં મશીન તો જો કે, હમણાં આવ્યાં, '૯૨માં જે મશીન હતું તે ઘણું સાદું હતું, પણ ઓટોમાઇઝેશન પર જવાનો નિર્ણય બાલાજી માટે ટર્નિંગ પોઇન્ટ હતો. તાવડા-ભઠ્ઠામાં બનતી અને બહુ વખણાતી પોતાની વેફર પ્રત્યે અઢળક પ્રેમ રાખીને જો તેમણે ઓટોમાઇઝેશન કર્યું હોત તો હજી બાલાજી સાંગણવા ચોકની દુકાન પુરતી સીમીત હોત.

મેનેજમેન્ટ ફંડા

. માર્કેટમાં માંગ વધે તેની સાથે નવી ટેક્નોલોજી પણ સામેલ કરતાં જવું.
. નવી મશીનરી લાવતી વખતે ટેક્નોલોજીની સમજ હોય તો નુકસાન જઇ શકે.
. ધંધામાં સમસ્યા આવે ત્યારે ક્યારેક ટેકનિકલ જ્ઞાનને બદલે કોઠાસૂઝથી તેને ઉકેલી શકાય.

ઘરમાંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાના અને ઓટોમાઇઝેશન સુધીની સફરની સાથે સાથે બીજી પણ બે બાબતો સતત સાથે હતી, જે બાલાજીને આજની સ્થિતિ સુધી પહોંચાડવા માટે બહુ મહત્તવપૂર્ણ ભાગ ભજવવાની હતી. તેમાંની એક હતી ક્વોલિટી. ચંદુભાઇ સતત ક્વોલિટીનું ઘ્યાન રાખતા રહ્યા. બટાટાની ખરીદીથી માંડીને વેફર તળવા તથા તેના પેકેજીંગ સુધી તમામ બાબતોમાં તેઓ ક્વોલિટી કોન્શિયશ રહેતા હતા. બાલાજીની વેફર ગ્રાહકોમાં પ્રિય હોવાનું એકમાત્ર કારણ તેની ક્વોલિટી હતી.

બાલાજીની અધતન લેબોરેટરીમાં માત્ર બનેલી પ્રોડક્ટનું પરીક્ષણ નથી થતું, તેમાં ઉમેરાનાર મસાલાનું પણ નિયમિત પરીક્ષણ થાય છે. મરચાંની તીખાશનું પણ માપ કાઢવામાં આવે છે.!!!